ताज़ा ख़बरें

૧૭ મે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ડોક્ટરની સૂચનાઓનું પાલન કરીને બી.પી. સાથે નોર્મલ લાઈફ જીવી શકાય

૧૭ મે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ 

ડોક્ટરની સૂચનાઓનું પાલન કરીને બી.પી. સાથે નોર્મલ લાઈફ જીવી શકાય

********

*એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કોમલ કુમાર*:-

*દવા ઉપરાંત લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન, ડાયટ પ્લાન, ફિઝિકલ એક્ટિવિટી અને હોમ બી.પી. મોનિટરિંગ જરૂરી*

*બ્રેઈનસ્ટોક, હાર્ટએટેક કે કિડની ફેઇલથી બચવા સમયાંતરે બી.પી. તપાસવું જરૂરી*

*યુવાનો બી.પી.ને ઇગ્નોર ન કરે, બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર છે*

ખાસલેખ:- જીતેન્દ્ર નિમાવત

ઘણાં રોગ એવા હોય છે કે જે શરીરમાં પ્રવેશી જાય તે પછી પણ ઘણા કિસ્સાઓમાં દર્દીને ખ્યાલ પણ નથી રહેતો, કેમકે શરૂઆતમાં તેમના કોઈ બાહ્ય લક્ષણો દેખાતા નથી. હાઈ બ્લડપ્રેશર એક આવી જ બીમારી છે.

લોકોમાં હાઈ બ્લડપ્રેશર વિશે જાગૃતિ લાવવા, હાઈ બ્લડપ્રેશરને રોકવા તેમજ તેની તપાસને પ્રોત્સાહન આપવા વિશ્વમાં દર વર્ષે ૧૭ મે ના રોજ “વિશ્વ હાઇપર ટેન્શન દિવસ” ઉજવવામાં આવે છે. જેની વર્ષ ૨૦૨૫ ની થીમ છે “તમારા બ્લડપ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો.”

એઇમ્સ હોસ્પિટલ રાજકોટનાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કોમલ કુમાર જાંગીડે હાઇપર ટેન્શનથી બચવા શું કરવું? તપાસ, નિદાન, નિયમિતતા, ખાનપાન, ફિઝિકલ એક્ટિવિટી વગેરે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

ડૉ.કોમલકુમારએ કહ્યું કે, શહેરી વિસ્તારમાં ૬૦ વર્ષ સુધીના દર ત્રીજી વ્યક્તિને બી.પી. છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દર ચોથા કે પાંચમાં વ્યક્તિમાં બી.પી.ની સમસ્યા જોવા મળે છે. ૩૫ વર્ષના તંદુરસ્ત યુવાનોએ પણ વર્ષમાં એક વખત બી.પી. તપાસવું જોઈએ, અને જો પરિવારમાં કોઈને બી.પી. હોય તો ૩૦ વર્ષની વયથી જ નિયમિત તપાસણી કરાવવી જોઈએ. કેમકે બી.પી. સાયલન્ટ કિલર છે. ૧૪૦,૧૫૦ કે ૧૬૦ સુધી બી.પી.માં કોઈ ખ્યાલ નથી રહેતો પણ ધીમે ધીમે આગળ વધે અને શરીરનાં અંગોને નુકસાન કરે છે. ૧૮૦ આસપાસ બી.પી.માં દર્દીને પાછળની બાજુ માથું દુખવું, ચક્કર આવવા, જોવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે ગભરાહટ, પરસેવો આવવો વગેરે જેવા લક્ષણ જોવા મળે, જો આમ થાય તો તુરંત દવાખાને જવું જોઈએ.

બી.પી.ની ટ્રીટમેન્ટ ફક્ત દવા નથી, ખાનપાન અને લાઇફ સ્ટાઇલ ખૂબ જ અગત્યનું છે.

દરેક વ્યક્તિએ જમવામાં પરંપરાગત ભોજનનો ઉપયોગ કરવો જોઈએ. લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન, ડેશ ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી અને હોમ બી.પી. મોનિટરિંગ ખૂબ જ અગત્યનું છે. નમક, અથાણાં, પાપડ, ફાસ્ટફૂડ, તેલ વગેરે શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ ઓછું લેવું જોઈએ. ડેશ (Dash) ડાયટ પ્લાનનો અમલ કરવો જોઈએ

ડોક્ટર કોમલકુમારે વધુમાં કહ્યું કે, આપણે સદીઓથી જે ખાવાનું ખાઈએ છીએ, જેનાથી આપણું શરીર બંધાયું છે. તે પરંપરાગત ખોરાક જ શક્ય હોય ત્યાં સુધી લેવો જોઈએ. જો બી.પી.ને ઇગ્નોર કરવામાં આવે તો હાર્ટ એટેક, કિડની ફેલ થવી કે બ્રેઇન સ્ટોક વગેરે બીમારીને નિમંત્રણ આપવા બરાબર છે. બી.પી.ને ઇગ્નોર ન કરવું, જેમને બી.પી. હોય તે પણ નોર્મલ લાઈફ જીવી શકે છે. માટે બી.પી. આવે તો ડરવું નહીં તેને મેનેજ કરી શકાય છે. ડોક્ટર પાસે રેગ્યુલર તપાસની સાથે સાથે ઘરે સાધન ખરીદી હોમ બી.પી. મોનિટરિંગ કરવું જરૂરી છે. ઉપરાંત નિયમિત કસરત તેમજ દરરોજ ૪૫ મિનિટ ચાલવું, યોગાસન કરવા તેમજ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ચેકઅપ અને દવા ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

 

Show More
Back to top button
error: Content is protected !!