
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે આવેલ શ્રી માધવરાયજી ભગવાનના મંદિરમાંથી પસાર થતી સરસ્વતી નદીના કાંઠા પર લાઇનિંગની કામગીરીનું સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવતી ભૂમિ એટલે પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવેલું પ્રાચી તીર્થ. આ પ્રાચી તીર્થ વિશે કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી !
આ પવિત્ર તીર્થભૂમિમાં ચોમાસામાં પાણીનો ઘણો જ ભરાવો થાય છે. જેના કારણે મંદિર આસપાસનો વિસ્તાર કાદવ-કિચડ યુક્ત બને છે. રિવર લાઈનિંગની કામગીરી થકી મંદિરની આસપાસના વિસ્તારમાં પ્રોટેક્શન વૉલ બનાવાશે. જેથી ધોવાણ થતું અટકશે તેમજ પાર્કિંગ જગ્યાને પણ દુરસ્ત કરવામાં આવશે. જેથી કાદવ-કિચડની સફાઈ કરવામાં સરળતા રહેશે.
કલેકટરશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ ક્ષેત્રના અનેક યાત્રાધામમાંથી પ્રાચી તીર્થધામમાં પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે. મોક્ષ પીપળો એ આ તીર્થધામની અનેરી ઓળખ છે. રિવર લાઈનિંગની આ કામગીરીથી પવિત્ર તીર્થસ્થળે આવતા શ્રદ્ધાળુઓની સુખાકારી અને સગવડતામાં વધારો થશે.
આ ખાતમુહૂર્તમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી રાખેસિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, પ્રાચી માધવરાય મંદિરના મહંત શ્રી સહિત અગ્રણીઓ અને ગ્રામજનો
ઉપસ્થિત રહ્યાં હતાં.