રાજુલાના ડુંગર ગામે એસબીઆઇ બેન્કનું એટીએમ ૪ મહિનાથી બંધ હાલતમાં….
બેન્કમાં પુરતો સ્ટાફ ન હોવાની પણ રાવ,
રાજુલા તાલુકાના ડુંગર ગામે એસબીઆઇ બેન્ક આવેલ છે. અહીં બેન્કનું એટીએમ મશીન બંધ હાલતમાં હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. એટીએમ મશીન બંધ હોવાથી બેન્કના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રાહકો બેન્કમાં પ્રવેશે ત્યાં જ એટીએમ બંધ હાલતમાં નજરે પડે છે. મળતી માહિતી મુજબ ડુંગર એસબીઆઇ બેન્કમાં દસ વર્ષ પહેલા એટીએમ ફાળવવામા આવ્યું હતું. હાલ આ એટીએમની વેલીડીટી પૂર્ણ થઇ ચુકેલ છે. નવુ એટીએમ મશીનની હજુ સુધી ફાળવણી કરવામા નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડુંગર એસબીઆઇ બેન્ક મેનેજર પ્રદિપ બેનીવાલ દ્વારા પણ નવા એટીએમ મશીન તેમજ બેન્કમાં પુરતો સ્ટાફ પણ ન હોવાની પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામા આવી છે. છતાંપણ આજદિન સુધી નવુ એટીએમ મશીન આપવામા આવેલ નથી. શું? એસબીઆઇ શાખાના ઉચ્ચકક્ષાના અધિકારીઓને કામગીરીમાં રસ નથી કે શુ? હવે ગ્રાહકોના હિત માટે પોતાની કામગીરી કરશે ખરા તેવો સવાલ ઉઠ્યો છે. ત્યારે ઘોર નિદ્રામાં સુતેલા ઉચ્ચ શાખાના અધિકારીઓ જાગે અને ડુંગર એસબીઆઇ શાખામાં નવુ એટીએમ મશીન તથા પુરતા સ્ટાફની નિમણૂક કરવામા આવે તેવી ગ્રામજનોને માંગ ઉઠવા પામી છે.