વલસાડ: વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરથી વલસાડ પોલીસે એક ઇકો કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં સવાર પાંચ મિત્રોની અટકાયત કરી હતી. જોકે, ઇકો કારમાં દારૂ છુપાવવા માટે જે કીમિયો અજમાવવામાં આવ્યો હતો તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.કાર ચાલકે કોઈ અન્ય જગ્યાએ નહીં પરંતુ ઈકો કારની સીએનજી કીટના બોટલમાં જ વિદેશી દારૂ છુપાવ્યો હતો.મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધામાં મોટી કમાણીને કારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા અજમાવતા હોય છે. એમાં પણ 31 ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી જાય છે. જેને રોકવા વલસાડ જિલ્લા પોલીસ પણ વધુ સતર્ક થઈ જાય છે.આ વખતે નવસારીના ચીખલી તાલુકાના વાઝણા ગામના સુનિલ બચુભાઈ પટેલ નામના એક કારચાલકે કારમાં દારૂ છુપાવવાનો અજબ કીમિયો અજમાવ્યો હતો. દમણથી તેઓ ચીખલી તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સુગર ફેક્ટરી નજીક પોલીસે આ ઇકો કારને રોકી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કારમાં કંઈ મળ્યું ન હતું. પરંતુ પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી કારની સીએનજી કીટની ચોકસાઈપૂર્વક તપાસ કરતા અંદર ગેસને બદલે અન્ય વસ્તુ ભર્યું હોવાનું જણાયું હતું. આથી સીએનજી કીટને કાઢી અને ખોલતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી અંદાજે સાડા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કારમાં દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ કારની સીએનજી કીટમાં ગેસને બદલે દારૂ છુપાવવાનો આ કાર ચાલકનો કીમિયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
0 2,532 1 minute read