રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યોછે.
તાપમાનનો પારો 44 ડિગ્રીથી વધુ જતાં તકેદારીના ભાગરૂપે હિટવેવ સલામતી અંતર્ગત રાજ્યસરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં રણવિસ્તાર થી લઈ શહેરી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં હીટ એકશન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સંબધિત વિભાગોને આદેશ કરાયો છે. જેમાં ખાસ કરીને હાલમાં ચાલુ કન્સ્ટ્રકસન સાઈટ, મનરેગા સાઈટ તથા અન્ય જયાં શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ તેઓનું વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિચ્છિત કરવા તંત્ર દ્વારા સૂચન કરાયું છે.