
મારે તારી સાથે લગ્ન કરવા છે ને બીજે થવા દેવા નથી તેવી ધમકી : યુવતીનાં દાદા ફરિયાદ નોંધાવી
પાટણ તાલુકાનાં એક ગામે લગ્ન મંડપને ઉખેડી નાંખવાની ધમકી આપી લગ્ન ન થવા દેવા જણાવીને લગ્નવાળા પરિવારનાં વડીલ સાથે કેટલાક લોકોએ મારામારી કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં એક ગામે રહેતા સોમાજી ઠાકોરની પૌત્રીના લગ્ન હોવાથી ઘર આગળ બાંધેલા માંડવા- મંડપ પાસે આવીને સોમાજીનાં ભાઇના દિકરાનો સાળો કે જે છ મહિનાથી કમલીવાડા ગામમાં રહે છે તે દિલીપજી સોમાજીનાં ઘેર આવ્યો હતો ને ઉશ્કેરાઇને કહેલ કે, તમારો મંડપ ઉખેડી નાંખવો છે. આ લગ્ન થવા દેવા નથી. તેમ કહીને દિલીપજીએ સોમાજીને ગડદાપાટુનો માર મારતાં એ વખતે દિલીપનું ઉપરાણું લઈને તેમનાં કુટુંબનાં માણસોએ આવીને માર માર્યો હતો ને વચ્ચે છોડાવવા પડેલાઓને પણ માર્યા હતા. તેઓને સારવાર માટે ધારપુર ખાતે ખસેડાયા હતા.
આ બનાવનું કારણ એ હતું કે, સોમાજીએ જ્યારથી લગ્નનું મુહુર્ત કઢાયું ત્યારથી છેલ્લા એક મહિનાથી સોમાજીને હેરાન કરતો હતો ને તે જેનાં લગ્ન થવાનાં હતાં તે યુવતીને પણ હેરાન કરીને કહેતો કે તારા લગ્ન થવા દેવા નથી, મારે તારી સાથે લગ્ન કરવા છે ને બીજે થવા દેવા નથી તેવી ધમકીઓ આપતો હતો. આ બાબતે યુવતી પણ તેનાં દાદા કે પરિવારને આબરુ ન જાય તે માટે વાત કરતી નહોતી. બાદમાં યુવતીનાં દાદા સોમાજીએ ફરિયાદ નોંધાવી હતી.