
*વર્ષ ૨૦૨૩ કરતા વર્ષ ૨૦૨૪માં વધુ ૧૧૭ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત થઇ*
———-
*ટી.બી. નાબૂદી માટે સરકાર દર્દીઓને મફત દવા આપે છે, વ્યક્તિઓ અને સંસ્થાઓ નિક્ષય મિત્ર બની જરૂરી રાશન આપે છે*
————-
ગીર સોમનાથ તા.૨૩, એક સમયે કોરોના જેવી મહામારી જાહેર થયેલી ટ્યુબરક્યુલોસિસ(ટી.બી.) સામે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા ક્ષય અધિકારીની કચેરીએ સિધ્ધિ હાંસલ કરી છે. ગીર સોમનાથ શહેર– જિલ્લામાં ટી.બી.ના કેસની રિકવરીમાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૪માં ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ ગામમાંથી ૧૪૮ ગામ ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.
જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૩માં ૩૧ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર થઇ હતી. કલેક્ટરશ્રીની સૂચના મુજબ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામડે ગામડે લોકોને સમજૂત કર્યા હતાં. આથી વર્ષ ૨૦૨૪માં ૧૪૮ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત બની છે.
એક્શન પ્લાન મુજબ એક ગામમાં ૧૦૦૦ની વસ્તીએ એક વર્ષમાં ૩૦ કે તેથી વધુ શંકાસ્પદ દર્દીને શોધી તેનું નિદાન થાય છે. ત્યારબાદ ૧૦૦૦ની વસ્તીએ વર્ષમાં ઓછામાં ઓછા એક કેસનું નિદાન થાય તે પછી ગત વર્ષની સારવાર સફળતા દર ૮૫ ટકાથી વધુ હોય, ટી.બી.ના તમામ દર્દીઓની દવાની અસરકર્તાની ચકાસણી ઓછામાં ઓછી ૬૦ ટકા સિધ્ધી, નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો ૧૦૦ ટકા મળેલ હોય તેવા માપદંડ બનાવી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવે છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમો ગ્રામ પંચાયતના સહકારથી ગામડે ગામડે જઇ રોગ નાબુદી માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ગીર સોમનાથ જિલ્લામાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-૩૩, સુત્રાપાડા-૧૯, તાલાલા-૩૩, કોડિનાર-૧૩, ઉના-૨૮, ગીર ગઢડા-૨૨ સહિત કુલ ૧૪૮ ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.
ટી.બી. બેક્ટેરીયમ માયકોબેક્ટરિયમ ટ્યુબરક્યુલોસિસના કારણે થાય છે. સુક્ષ્મજંતુઓ હવા દ્વારા ફેલાય છે અને સામાન્ય રીતે ફેફસાને ચેપ લગાડે છે. જે શરીરના અન્ય ભાગોને પણ ચેપ લગાવી શકે છે. જ્યારે સક્રિય ટી.બી. રોગ ધરાવતી વ્યક્તિ ઉધરસ, છીંક, તાવ, ગાવા અથવા હસવા દ્વારા હવામાં જંતુઓ છોડે છે ત્યારે ટી.બી. ફેલાય છે. માત્ર સક્રિય પલ્મોનરી ચેપ ધરાવતા લોકો ચેપી છે. મોટા ભાગના લોકો જેઓ ટી.બી.ના બેક્ટેરિયામાં શ્વાસ લે છે તેઓ બેક્ટરિયા સામે લડવામાં સક્ષમ છે અને તેને વધતા અટકાવે છે. આ વ્યક્તિઓમાં બેક્ટેરિયમ નિષ્કિય થઇ જાય છે. જેના કારણે સુપ્ત ટી.બી. ચેપ લાગે છે.
ટ્યુબરક્યુલોસિસ એ ચેપી રોગ છે જે ફેફસા, અન્ય પેશીઓમાં પ્રસરે છે. એટલુ જ નહી કરોડરજ્જૂ, મગજ અથવા કિડની જેવા અન્ય અવયવોને પણ અસર કરી શકે છે. ટી.બી.થી સંક્રમિત દરેક જણ બિમાર થતા નથી, ટી.બી.ના ત્રણ તબક્કા છે તેમાં પ્રાથમિક ચેપ, બીજો તબક્કામાં સુપ્ત ટી.બી. ચેપમાં દર્દી બેક્ટેરિયમથી ચેપગ્રસ્ત છે. પરંતુ લક્ષણો નથી, તો તમને નિષ્ક્રિય ક્ષય રોગ અથવા સુપ્ત ક્ષય રોગ કહેવાય છે અને સક્રિય ટીબી રોગના દર્દીને એવુ લાગે કે ટી.બી. દૂર થઇ ગયો છે, પરંતુ તેના જીવાણુ શરીરની અંદર સુષુપ્ત અવસ્થામાં હોય છે.