
૫ ડિસેમ્બર વિશ્વ માટી દિવસ માટી સ્વસ્થ રહેશે તો જીવન નિરોગી રહેશે જમીનની તંદુરસ્તી માટે ખૂબ મહત્વપૂર્ણ – સોઇલ હેલ્થ કાર્ડ યોજના
નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ
*સંકલન : જીતેન્દ્ર નિમાવત*
*રાજકોટ તા. ૦૪ ડિસેમ્બર -* સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ માટી દિવસ વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે ૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. લોકોને જમીનના મહત્વ વિશે જણાવવા તેમજ જમીનની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ખેતીલક્ષી જમીનમાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના છંટકાવથી પાકના ઉત્પાદનો અને પોષકતત્વોનું પ્રમાણ ઘટયું છે. આ ઓછા પોષકતત્વોવાળા ખોરાક આપણે લઈએ છીએ જેને લીધે કુપોષણ સહિત બિમારીના પ્રશ્નો ખુબ જ વધ્યા છે. ત્યારે જમીન સ્વસ્થ હશે તો જીવન સ્વસ્થ રહેશે. ખેતીલક્ષી જમીનને સ્વસ્થ રાખવા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સોઇલ હેલ્થ કાર્ડ યોજના દ્વારા જમીનની તપાસણી, મારી માટી મારો દેશ અભિયાન, ખેડૂત કલ્યાણકારી વિવિધ યોજનાઓ વગેરે યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા જમીન સ્વસ્થ રહે તે માટે સરકાર કટીબદ્ધ છે. ત્યારે સોઈલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતો અને જમીનની ગુણવત્તા માટે ઉપયોગી બની રહી છે.
જેમ આપણે આપણા શરીરનુ ધ્યાન રાખી બિમારીનુ નિદાન કરાવી જરૂરી સારવાર લેતા હોઈએ તેવી જ રીતે ખેડૂતોએ જમીનનું ધ્યાન રાખવુ જોઈએ અને નિયમિત જમીનની તપાસણી કરાવતી રહેવી જોઈએ. આ માટે સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી છે. જેનાથી માટીની ગુણવત્તાનો ખ્યાલ આવે છે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી આ યોજનાને સોઈલ હેલ્થ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેના દ્વારા જમીનની આરોગ્યની સ્થિતિ જાણી શકાય છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય તો ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા તે ઉણપને દૂર કરી શકે છે. ખેડૂતની જમીનને અનુરૂપ ક્યો પાક ઉગાડવો યોગ્ય રહેશે તે પણ જાણી શકાય છે, તથા બિનજરૂરી રસાયણોનો ઉપયોગ નિવારી શકાય છે. પાક નિષ્ફળ જવા પાછળ જમીનની ગુણવત્તા પણ એક અગત્યનું કારણ હોઈ શકે, આવી સ્થિતિમાં ખેડૂતોએ સોઈલ હેલ્થ કાર્ડની મદદથી તેમની જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
*જમીન ચકાસણી કરવાથી મળતી માહિતી*
પ્રયોગશાળામાં જમીનનું રાસાયણિક પૃથક્કરણ કરતાં જમીનનો પ્રતિક્રિયા આંક પી.એચ. કુલ દ્રાવ્ય ક્ષારના ટકા, સેન્દ્રીય કાર્બન તત્વના ટકા, નાઇટ્રોજનના ટકા, ફોસ્ફરીક એસીડના ટકા અને પોટાશના ટકા સહિત માહિતી મળે છે.
*જમીન ચકાસણીની જરૂરીયાત શા માટે!*
જમીનનું બંધારણ, નિતારશક્તિ,ભેજ સંગ્રહ શક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મોની માહિતી મેળવવા, જમીનની ફળદ્રુપતાની કક્ષા જાણવા, પાકને ખાતરોની જરૂરીયાત નક્કી કરી ભલામણનો દર નિયત કરવા, જમીન સુધારવાના ઉપાયો કરવા, જમીન ધોવાણનુ પ્રમાણ જાણવા ઉપયોગી છે.
*જમીન ચકાસણીના ફાયદાઓ*
જરૂરીયાત મુજબના પ્રમાણમાં જ ખાતરો વાપરવાથી બીનજરૂરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય, ભલામણ મુજબના પાકોની ફેરબદલી કરી શકાય, ખેત પેદાશોનુ ઉત્પાદન વધારી શકાય,ખેડૂતોનો સમય અને શક્તિનો વ્યય ઘટે છે, જમીનમાં ક્યાં પોષક તત્વોની ઉણપ છે તે જાણી શકાય, ભલામણ મુજબ ખાતરો આપવાથી જમીન સચવાય રહે, પાકની ફેરબદલી કરવામાં અનુકુળતા રહે છે, ખાતરોની જરૂરીયાત કેટલી ક્યારે પડે છે, તેનો ચોક્કસ અંદાજ આવે છે, જમીન ક્યાં પાકો માટે વધારે અનુકૂળ છે તે જાણી શકાય તે સહિત ફાયદાઓ છે.