
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે વારી એનર્જી લિ.ના દેશના સૌપ્રથમ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ 5.4GW સોલાર સેલ મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સહિતના સર્વે મહાનુભાવોએ આ પ્લાન્ટની મુલાકાત કરી, સમગ્ર કાર્યપ્રણાલી અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘વન અર્થ, વન સન, વન ગ્રીડ’નો મંત્ર આપ્યો છે. તેમણે વારી એનર્જીની કામગીરીની સરાહના કરવાની સાથોસાથ વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગ્રીન એનર્જી સહિતના ઊભરતા ક્ષેત્રોમાં ગુજરાતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવતી પોલિસીઓ તેમજ રિન્યુએબલ એનર્જીની દિશામાં ગુજરાતની ક્ષમતા અંગે સૌને માહિતગાર કરતાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપતા અભિયાનમાં ગુજરાતની અગ્રિમતાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગુંવત્તાયુક્ત કામગીરી દ્વારા ‘ગ્રીન ગ્રોથ, ક્લીન-ગ્રીન એનર્જી’માં ગુજરાતને લીડીંગ સ્ટેટ બનાવવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.