પોલિયો મુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. ૦૮ના રોજ પોલિયો રસીકરણ અભિયાનનુ આયોજન
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠઠ
નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ
રાજકોટ તા. ૦૭ ડિસેમ્બર-, પોલિયો મુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત આગામી તા.૦૮ ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટ જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.
અભિયાન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને પલ્સ પોલિયો સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં બૂથ વાઈઝ ટીમ, હાઉસ ટુ હાઉસ કામગીરી માટે ટીમોના નિર્માણ તેમજ મોબાઇલ ટીમ, કોલ્ડ ચેઈન અને ટ્રાન્ઝિટ પોઇન્ટ વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઝુંબેશમાં રાજકોટ જિલ્લાનું એક પણ બાળક રસી લેવામાં બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવા ડીડીઓશ્રીએ રાજકોટ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કુવાડવા,મેટોડા, શાપર-વેરાવળ, ગુંદાળા અને ખોખડદળ જીઆઇડીસીમાં કામ કરતા શ્રમજીવીઓ તેમજ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા ખેતમજૂરો સુધી પણ રસીકરણની સંપૂર્ણ વ્યવસ્થા પહોંચાડવા જિલ્લા આરોગ્યતંત્રને તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશ જાની, નવનિયુક્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલમાળી, જિલ્લા આર.સી.એચ ઓફિસર શ્રી જોશી, ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.નિર્મલ પ્રજાપતિ, ડો.પપ્પુ સિંઘ, એઈમ્સના પ્રતિનિધિઓ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સહિત તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.