
વલસાડ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર કપરાડા તાલુકાના મોટી પલસાણ (કરંજલી) ગામમાં BSNLની મોબાઇલ ટાવર સેવા છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણપણે બંધ છે. પરિણામે ગામમાં રહેતા હજારો લોકોને મોબાઇલથી કોલ કરવા કે કોલ પ્રાપ્ત કરવા જેવી આધુનિક સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. હાલ તો ઇનકમિંગ કોલ્સ પણ બંધ છે, જેનું લોકોના રોજિંદા જીવન પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે.
ગ્રામજનો જણાવે છે કે BSNLની ટાવર સેવા બંધ થયાના કારણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સંબંધિત કામગીરીઓમાં ભારે અડચણો ઊભી થઈ છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં મુશ્કેલી થાય છે, શહેરોમાં કામ કરતા પરિવારજનો સાથે સંપર્ક થતો નથી. અહીં સુધી કે ઈમરજન્સી સ્થિતિમાં પણ સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો છે.
આ મામલે ગ્રામજનો દ્વારા વારંવાર BSNL અને વહીવટી તંત્રને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી. લોકોમાં વહીવટી તંત્રની અવગણના અને બેદરકારી સામે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. અનેક વાર ફરિયાદો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી નથી, જે ગ્રહકો માટે ભવિષ્યમાં પણ મુશ્કેલીનો સંકેત આપે છે.
આ વિસ્તારમાં BSNL સિવાય બીજું કોઈ સારો નેટવર્ક ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો પાસે વિકલ્પ પણ નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલા ગ્રહકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે.
ગ્રામજનો સરકારે અને તંત્રને વિનંતી કરી રહ્યાં છે કે BSNLનો ટાવર ફરી કાર્યરત કરવામાં આવે અને ગ્રામજનોને ફરીથી ફોન અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આમ તો ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ વિકાસના સ્વપ્ન સાથે દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ આવી પછાત અને ટેલિકમ્યુનિકેશનથી વંચિત રહેલી વિસ્તારોની સમસ્યા આ દાવાઓને પડકાર આપે છે.
ગામના લોકોએ એકત્રિત થઈને સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીનેરજૂઆત કરવાની તૈયારી પણ બતાવી છે. જો તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાય, તો આંદોલન પણ કરાશે તેવો ચિમકીભર્યો સંદેશાઓ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
ત્રિલોક ન્યુઝ વલસાડ