રાજકોટ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે બાળલગ્ન અટકાવ્યા યુવતિ પુખ્ત વયની પરંતુ યુવક ૧૯ વર્ષનો હોવાથી જાગૃત નાગરિકે ૧૮૧માં કરી જાણ કાયદા વિશે જાણ થતાં લગ્ન નહીં કરાવવા માતા-પિતાએ આપી સંમતિ
નીલકંઠ જોષી દ્વારા રાજકોટ
રાજકોટ તા.૨૭ નવેમ્બર
જાગૃત નાગરીક દ્વારા ૧૮૧ માં કોલ કરીને જણાવવામાં આવ્યું કે, રાજકોટના હુડકો ચોકડી પાસે બાળલગ્ન થઈ રહ્યા હોય બાળલગ્ન અટકાવવા માટે ૧૮૧ મહિલા હેલપલાઇનની મદદની જરૂર છે.
જાગૃત નાગરિકના કોલ બાદ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર સુમિતા પરમાર, કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ ભગવાનભાઈ લગ્ન સ્થળ પર પહોંચી આજીડેમ પોલીસ સ્ટેશન અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ જિલ્લા બાળસુરક્ષા કચેરીનો સ્ટાફ સ્થળ પર પહોંચી બંને પરિવારના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરતા યુવતીની ઉંમર ૨૦ વર્ષ અને યુવકની ઉંમર ૧૯ વર્ષ અને ૨ મહિના જ થતી હતી. જેથી બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ મુજબ યુવક અને યુવતી પુખ્ત વયના હોવા જોઈએ તેવી માહિતી આપી હતી. બાળલગ્ન કરવા અને મદદ કરવી તે સામાજિક અને કાયદાકીય અપરાધ છે જેની સજા થઈ શકે. કાયદા મુજબ યુવતીની લગ્નની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની લગ્નની ઉંમર ૨૧ વર્ષ હોય તો જ લગ્ન કરી શકાય તેવું બંને પક્ષને સમજાવવામા આવ્યુ હતુ. તેથી આ લગ્ન ન થઈ શકે અને આવા લગ્ન કરવા અને કરાવવા એ કાયદાની વિરુદ્ધ હોવાનું બંને પરિવારને જણાવી કાયદાકીય સમજણ આપવામાં આવી હતી.
આમ સમજાવવાથી યુવક અને યુવતીના પરિવારજનોએ લગ્ન મોકૂફ રાખી જણાવ્યું હતું કે, બાળલગ્નના કાયદાથી અમો અજાણ હોવાથી લગ્ન ગોઠવ્યા હતા. પરિવારે ૨ વર્ષ પછી લગ્ન કરાવીશું તેવી સહમતી આપી દીકરા દીકરીના પરિવારજનો પાસે બાહેંધરી પત્રક લખાવ્યું હતું .બનાવ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા ધારાધોરણની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક જાગૃત નાગરિક અને ૧૮૧ હેલ્પલાઈનની સમય સૂચકતાથી બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.