રાધનપુર અંજુમન હાઇસ્કુલ નજીક યુવાન પર હિંચકારો હુમલો કરાયો યુવાનને ઉપરાછાપરી છરીના ઘા મારી ઇસમ રફૂચુકર
રાધનપુર ખાતે આવેલ અંજુમન હાઇસ્કુલ નજીક પોતાના કામઅર્થે જઈ રહેલ અહેમદ ગુલામ મુસ્તફા ચૌહાણ નામના યુવાન પર એક ઈસમે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઉપરાછાપરી પેટ અને પાછળના ભાગે પાંચ જેટલા ઘા મારીને શખ્સ ફરાર થઈ જવા પામ્યો હતો.
રાધનપુર ખાતે ખારીવાશ વિસ્તારમાં રહેતા અહેમદ ગુલામ નામનો યુવાન ગુરૂવારના રોજ એક વાગ્યાના અરસામાં અંજુમન હાઇસ્કુલ નજીકથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને આંતરીને ઇકબાલ ઈરફાન ઘાંચી નામના ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાખોરે યુવાન પર ઉપરાછાપરી છરીના પેટ તેમજ પાછળના ભાગે ઘા મારતાં અહેમદ ગુલામ નામનો યુવાન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘાયલ યુવાનને સ્થાનિક લોકોએ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઘાયલ યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અનવરહુસેન દ્વારા રાધનપુર પોલિસ સ્ટેશન ખાતે ઇકબાલ ઈરફાન ઘાંચી નામના ઇસમ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે રાધનપુર પોલિસે આ અંગે આઇપીસી કલમ ૩૦૭, ૩૨૬ અને ૧૩૫ લગાવી ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.