કપડવંજના થવાદ ગામના બે ખેડૂતભાઈઓ દ્વારા 3.83 હેકટર જમીનમાં અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિ થી 4,800 આંબાનું વાવેતર કરવામાં આવ્યું
*
આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી
*
એક્ઝોટીક વેજીટેબલ તરીકે બ્રોકલી, ઝૂકીની, ચેરી ટોમેટો, રેડ કેબેજ અને વિવિધ રંગોના લેટ્સના વેચાણ દ્વારા ખેડુતભાઈઓએ રૂ. 70 હજારની આવક કરી
*
સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્રયોગો શરૂ થયા છે. આજનો ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી સીમિત ન રહેતાં દેશ પરદેશમા ફરીને ખેતી વિષયક બાબતોની નવી જાણકારી મેળવે છે. આવો જ એક નવતર પ્રયોગ ખેડા જિલ્લાના કપડવંજના બે સગા ખેડૂતભાઈઓ, શ્રી હરીશ પટેલ અને તેમના મોટા ભાઈ શ્રી અમૃત પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ ખેડૂત ભાઈઓએ તેમના વતન થવાદ ગામ ખાતેના ખેતરમાં 3.83 હેકટર જમીનમા અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મદદથી 4,800 આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર કર્યું છે. જેમાં તેમને બાગાયત વિભાગ, નડિયાદ દ્વારા ફળ પાક ઉત્પાદકતા વધારવા કાર્યક્રમ અંતર્ગત અને સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે રૂ.2.35 લાખની સહાય આપવામાં આવી છે.
ફળ પાક ઉત્પાદકતા સહાયના લાભ વિશે જણાવતાં મદદનીશ બાગાયત નિયામક શ્રી જૈમિન પટેલ જણાવે છે કે આ યોજના અંતર્ગત આંબા, જામફળ, તથા કેળ ટીસ્યુ ફળ પ્લાન્ટેશન માટે બાગાયત ખાતા દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેમાં ખેડૂતને આંબા પાક માટે એક રોપા દીઠ સો રૂપિયા અથવા કુલ વાવેલા રોપાના 50% સબસિડી મહત્તમ રૂ.40000/હે. અને બગાયાતી આંતરપાક વાવેતર માટે રૂ.10000/હે. સહાય મળવાપાત્ર છે.
અલ્ટ્રા હાઈડેન્સિટી અને આંતરપાક વાવતેર શું છે?
અલ્ટ્રા હાઈડેન્સિટી વાવેતર દ્વારા ખેતીની જમીનની ઊભી અને આડી જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ સંભવિત વળતર મેળવવામાં આવે છે. જેમાં વાવેલા છોડની ઊંચાઈ, પહોળાઈ અને ફ્રુટ બેરીંગની ક્ષમતાને વિકસાવી શકાય છે. આંબાના વાવેતરમાં આ પદ્ધતિનો ફાયદો જણાવતા ખેડૂત શ્રી હરીશ પટેલ જણાવે છે કે જૂની પદ્ધતિથી આંબાની ખેતીમાં એક એકર જમીન અંદર વધુમાં વધુ 40 થી 50 છોડ ઉગાડી શકાય છે જ્યારે અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી એક એકરમાં 700 સુધીની સંખ્યામાં આંબાના છોડ રોપી શકાય છે. આમ નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક નીવડી શકે છે. આંતરપાક વાવેતરમાં વિવિધતાસભર પાકને એકબીજા સાથે ઉગાડવામાં આવે છે.
આર્ટિફિશ્યલી રીતે આંબાની ઊંચાઈને ટ્રિમિંગ અને પ્રુનીંગ દ્વારા અંકુશમાં રાખવામાં આવે છે જેથી આંબાના ઝાડના થડનો વિકાસ વધુ થાય છે અને ઝાડની ફ્રુટ બેરિંગ અને લોડ બેરિંગ ક્ષમતાને વિકસાવી શકાય છે. બીજું છે કે આ પ્રકારે તૈયાર કરેલ આંબાની ઊંચાઈ ઓછી હોવાથી ખેતીમાં લેબરનું કામ પણ સરળ થઇ જાય છે. આ રીતે મજૂરીખર્ચમાં ઘટાડો કરી શકાય છે. વળી આંબાની ડાળીઓને નિયમિત ટ્રિમીંગ કરીને ઝાડના ઘેરાવને મર્યાદિત કરી શકાય છે જેથી નિશ્ચિત માત્રામાં કેરીનું ઉત્પાદન કરી શકાય છે. આ પદ્ધતિથી ઉગાડેલા આંબામાં ત્રણ વર્ષ પછી કેરીઓનું ઉત્પાદન ચાલુ થાય છે.
આંબાના વાવતેર સિવાય પણ ખેડૂતભાઈઓ દ્વારા બે આંબાના છોડ વચ્ચે રહેલ બાકી જગ્યાનો સદ ઉપયોગ કરવા અને કેરીનો છોડનું ઉત્પાદન આવે ત્યાં સુધી વૈકલ્પિક આવક મેળવવા આ જમીનમા આંતરપાક તરીકે એક્ઝોટીક વેજીટેબલ ઉગાડ્યા છે. જેમાં બ્રોકલી, ઝુકીની, રેડ,ગ્રીન અને આઇસબર્ગ લેટ્સ, રેડ, ગ્રીન અને યેલો કેપ્સીકમ, રેડ કેબેઝ અને ચેરી ટોમેટોનું વાવેતર કર્યું છે. ઉપરોક્ત શાકભાજીના વેચાણ દ્વારા ખેડુતભાઈઓએ અત્યાર સુધીમાં રૂ 70 હજારની આવક મેળવી છે.