गुजरात

જસદણ-વિંછીયા પંથકનું એકપણ ગામ વિકાસથી વંચિત ન રહે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

જસદણ-વિંછીયા પંથકનું એકપણ ગામ વિકાસથી વંચિત ન રહે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

દડલી – મોટા હડમતીયા રોડ પર રૂ. ૧૦૦ લાખના ખર્ચે થનારા સમારકામનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ

રાજકોટ, તા. ૧૪ ડીસેમ્બર – ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના દડલી – મોટા હડમતીયા રોડના સમારકામનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહુર્ત કરાયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ખાસ મરામત યોજના હેઠળ અંદાજે રૂ. ૧૦૦ લાખના ખર્ચે ૩.૫ કિલોમીટરના રસ્તા પર ડામર કામ અને ફર્નીશિંગ કરાશે.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દડલી – મોટા હડમતીયા રોડનું સમારકામ થવાથી ચોમાસાંમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે અને રેવાણીયા ગામથી ચોટીલા ગામ સુધી સળંગ પાકો રસ્તો મળશે. છેલ્લા એક વર્ષ દરમિયાન મોટા ભાગના બિસ્માર રસ્તાઓ રી-કાર્પેટ માટે મંજૂર કરવામાં આવ્યાં છે. વ્યવસાયલક્ષી તાલીમ લઈને યુવાનો આત્મનિર્ભર બને, તે હેતુસર આઈ.ટી.આઈ.માં નવા ટ્રેડ શરૂ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આમ, રસ્તાના કામોની સાથે-સાથે આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, સિંચાઈના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની કામગીરી જરૂરિયાત મુજબ તબકકાવાર કરવામાં આવી રહી છે. ત્યારે જસદણ-વિંછીયા પંથકનું એકપણ ગામ વિકાસથી વંચિત ન રહે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે.

મંત્રીશ્રીએ ગામની શોભા સમાન પ્રવેશદ્વાર અને પાદર સહિત સમગ્ર ગામને સ્વચ્છ અને રળિયામણું રાખવા અનુરોધ કર્યો હતો. આ તકે અધિક મદદનીશ ઇજનેરશ્રી તેજાભાઈ ચૌહાણએ સ્વાગત પ્રવચન, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી કડવાભાઈ જોગરાજીયાએ પ્રાસંગિક ઉદ્બોધન અને આભારવિધિ શ્રી વિનુભાઈ હાંડાએ કરી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી ભગીરથસિંહ ચૌહાણ, આજુબાજુના ગામના સરપંચો, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

Show More
Back to top button
error: Content is protected !!